જીવન પ્રસંગો

સંરક્ષક બનો! (Be a Protector of the nature!)

એક નાનો જમીનનો ટૂકડો, અમે એનાં પર એક સામાન્ય પતરાંવાળું ‘ઘર’ બનાવ્યું! પરિવારનાં પાંચ સભ્યોએ આ ઘર ઉભું કરેલું, લગભગ ચાલીસેક હજારનો કુલ ખર્ચ બેસેલો! એ પણ ઉધાર અને માંગીને લાવેલ રૂપિયે! પણ પોતાનું ઘર બન્યું એટલે નિરાંત હતી હવે ઘરભાડું નઈ ચુકવવું પડે એની રાહત! 2007માં એ ઘર બનેલું, હું BScનાં પ્રથમ સેમેસ્ટમાં હતો!

એક ચોમાસાં બાદ આંગણે લીમડાંઓ, સુરબાવળો, ગોરશામલી, બીજાં નાનાં છોડવાઓ જેવું ઘણું ઉગી નિકળયું, ઘરને ફરતે કાંટા-બાવળની વાડ બનાવી એમાં પણ વેલાઓ આવવાં લાગ્યાં! પાણી પણ સમયસર મળતું એટલે વર્ષો-દહાડાંઓ પસાર થતાં ગયાં, પેલાં વુક્ષો અને છોડવાઓ ઘેરાવા લાગ્યાં, પેલી વાડ પણ મોટી થતી જતી!

વનસ્પતિઓએ બીજી જીવસૃષ્ટિનાં રહેણાક માટેનો ઉત્તમ માહોલ અને સગવડતાઓ પુરી પડી અને અમારી પણ કોઈ ખાસ ડખલગીરી નો’તી એટલે વૃક્ષો પર પંખીઓ, ચકલાંઓ વસવાટ કરવાં લાગ્યાં, ખિસકોલાં, નોળિયાં, ઉંદરો જેવાં વિધ-વીવિધ જીવો રે’વા લાગ્યાં હતાં! પ્રકૃતિ અમારે આંગણે નજર સામે જ રમતી!

BSc પૂરું કરી હું MSc માટે રાજકોટ ગયો! થોડો સંપર્ક ઓછો થયો ઘર આંગણે ફુટી નિકળેલ સૃષ્ટિ સાથે પણ જ્યારે વેકેશન મળતું ત્યારે વળી પાછો આનંદ મળતો! ક્યારેક કોઈ ઝાડની કોઈ ડાળને પણ જો ઘરનું કોઈ સભ્ય કાપતું તો દૂ:ખ અને ગુસ્સો આવતો!
દિવસો પસાર થતાં!

2015માં મને નોકરી મળયાં બાદ ઘરની આર્થિક સ્થિતિમાં સુધાર આવ્યો અને આ જુનાં ઘરને ફરી બનાવવાની ઈચ્છા મારાં બાપુજીને થઈ! અમારું આ ઘર જોઈને અમુક લોકો લગ્નની વાતો ચલાવતાં ન હતાં, “આવાં ઘરમાં તે વળી કોણ દિકરી આપે?” આવું સાંભળી આ ઘરને હવે થોડું મોટું અને વ્યવસ્થિત કરવાનો નિર્ણય મારાં બાપૂજીએ લીધો!

2016-2017 સુધી અમારું નવું ઘર બની રહ્યું હતું, જુનું ઘર જે હતું એની જ જગ્યા પર આ બનાવવામાં આવેલુ એટલે ધીરે ધીરે બનાવેલ, જુનાં ઘરનો થોડો ભાગ તોડતા જતાં અને ત્યાં નવાં ઘરનો હિસ્સો બનતો જતો! અને પરિવારનાં સભ્યો અને એક મજુર અને બે કડિયાથી જ આ બનેલ એટલે વાર લાગે એ સ્વાભાવિક જ હતું!

પણ મને જેની ઈચ્છા જ ન હતી એવું બન્યું, અને હું હાજર પણ ન હતો! નોકરી પંચમહાલ જીલ્લામાં સુરેંદ્રનગરથી 8 કલાકનો રસ્તો, થોડી વધારે રજાઓનો મેળ પડતો કે વેકેશન હોય તો જ ઘેરે આવવાનું થતું! હવે ઘરને થોડું મોટું બનાવવાનું હતું એટલે અને જ્યાં સુધી ઘર બને ત્યાં સુધી તેનાં કપચી, ઈંટો, રેતી, સિમેન્ટ અને બીજાં સાધનો વગરે રાખવા માટે ઘરની સામેની જગ્યા પર આપમેળે ઉગેલા ઝાડવાંઓને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો!

જે કાંટા-બાવળ અને વેલાઓની વાડ હતી તેને પણ હટાવવાનો નિર્ણય લેવાયો! અને હટાવી પણ દેવાયા! જે ‘નડતું’ હતું એને દૂર કરો એવી વાત! (હવે કોણ કોને નડે છે એ આપણે ક્યારેક વિચારવું જોઇએ!)

એ ઝાડ અને વાડમાં ઘણી જીવ-સૃષ્ટિ વાસ કરતી હતી… કાબર, હોલા, ચકલાં, ખિસકોલાં, નોળિયા, ઉંદરો, દેડકાઓ… આ બધાં અને એમનાં પરિવારો! આ પણ એમનું ઘર જ હતું… પણ દરેકને માત્ર પોતાનાં ઘરની જ પડી હોય છે, એટલે એમનાં ઘરનાં ભોગે જ આપણે આપણું ઘર બનાવતાં હોઈએ છીયે! બધુ સાફ કરી દેવાયું!

એક લીમડો બાકાત રહ્યો હતો કેમ કે ‘પ્લાન’ મુજબ એ હમણાં નડતો ન હતો! પણ એને દૂર કરવાનો તો હતો જ!

એક સમયે ઘર પણ નોતું દેખાતું એટલાં અને એવાં વૃક્ષો ઘર આંગણે હતાં!

        ઘર બનવાનું ચાલુ જ હતું એ ઉનાળે હું વેકેશનમાં ઘેરે આવ્યો! મનમાં વૃક્ષોને પાડી દીધાંનું દુખ તો હતું જ, જો મને જાણ હોત તો અડધાં ઝાડોને તો કપાવા જ ન દેત… અને ઉનાળાનાં તડાકાએ પણ એ વનસ્પતિઓની ખુબ યાદ અપાવી!

હવે હાલ પેલાં એક લીમડાને કપાતો બચાવવાની વાત હતી… એ લીમડાને કાપીને ત્યાં એક પાણીનો ટાંકો બનાવવાનો પ્લાન હતો, પણ મેં એની સહમતિ ન દર્શાવી!

“આપડે પતરાંનો શેડ બનાવી દઈશું એટલે છાંયો તો મળશે જ એમાં આ ઝાડને રાખવાની શું જરુર?” આવી દલીલો મારી સામે આવી, મે પણ મારી દલીલો આપી અને લીમડો તો કપાશે જ નહિ એવી હઠ મેં પકડેલી!”જો ટાંકો મોટો જ બનાવવો છે તો એને ઊંડો બનાવો, પહોળો બનાવીને આ લીમડાને હટાવવો મને યોગ્ય લાગતું નથી!” એટલે પછી આ લીમડાને ન કાપવાની મારી વાત માન્ય રહી! અને જેટલાં પણ ઝાડવાંઓ કાપવામાં આવ્યાં છે ઓછાંમાં ઓછાં તેટલાં ઝાડ-છોડ જેટલી પણ ખાલી જગ્યા ઘરની આસપાસ બચી છે ત્યાં ઉગાડવામાં આવે એવુ વેકેશન દરમિયાન જ નક્કી કર્યુ…

હાલ તો એ બચાવેલો લીમડો થોડો મોટો બની ગયો છે… બીજાં છોડ-ઝાડ પણ ઉછરી રહ્યા છે… ફરીથી પેલાં બેઘર બનેલાં જીવોને થોડો આશરો મળતો થયો છે… અને મને આ ભરઉનાળામાં ટાઢો છાંયો! મારું આખું વેકેશન અમારાં આ લીમડા નિચે જ કાઢીશ! સવારે 9 થી સાંજનાં 6 સુધી આ જ લીમડા નિચે હુ હોવ છું… ગરમી કે તાપ મને અડી પણ નથી શકતા! અને અલગ અલગ જીવોનું સાનિધ્ય મળે એ વધારાનું! પ્રકૃતિને ખોળે રહુ છું!

મેં આ લીમડાને કપાવા ન દીધો! મને ગર્વ સાથે રાહત મળી! એનું એક પણ પાન કે ડાળી ન કપાય એની સઘળી જવાબદારી મારી પોતાની છે એવું હું માનું છું!

ભલે દરેક જગ્યાએ તમારું કંઈ ન ચાલે પણ, જ્યાં તમારું ચાલે છે, જ્યાં તમારું પ્રભુત્વ છે… ત્યાંનાં ઝાડ-છોડ અને અન્ય જીવોને બચાવો અને સાચવો! એ તમને આરામ આપશે, અને તમારે ખરેખર જેની જરુર છે એ શાંતિ તમને આપશે!

તો તમે પણ મને જણાવજો કે તમે કેટલાં જીવોને રક્ષણ આપ્યું!આ આપણી જ જવાબદારી છે! કેમ કે આપણે માણસો છીએ!

-Mahesh Jadav

Leave a Reply