જીવન પ્રસંગો

ભોળું માણાહ! (I saw such an Old Man.!)

આપણી આજુબાજુ એક એવી માનસિકતાવાળા લોકોનો બહું મોટો જથ્થો છે જે કોઈને કરવામાં આવતી મદદને મુર્ખામી સમજે છે! અને આ મદદનો ભાવ જો ભોળો હોય તો અમુક લુચ્ચા લોકો એનો ગેરફાયદો ઉઠાવી છેતરી જતાં હોય છે! પણ ગર્વ છે મને મેં જોયેલા એક વૃદ્ધ પર કે જે પોતાનો આ ભોળોભાવ છોડવા તૈયાર નથી! જે મદદ અને સહાય માટે તત્પર રહેતા લોકોને મુર્ખ સમજી એમની મજાક ઉડાવે છે પણ જયારે તે જ લોકો કોઈ મુસીબતમાં સપડાય છે ત્યારે એમની આંખો આવા જ કોઈ મદદ અને સહાય કરતા હોય એવા લોકોને શોધતી હોય છે!

હું જયારે કમળા-રોગને કારણે દવાખાનામાં દાખલ હતો તે વખતે બનેલ આ એક પ્રાસંગિક ઘટના છે! (‘હું દવાખાનામાં દાખલ થયો!’ લેખમાંથી એક ભાગ લીધો છે!)

સુરેન્દ્રનગર જીલ્લાની સિવિલ હોસ્પિટલ, ગાંઘી-હોસ્પીટલમાં હું દાખલ હતો! હું પથારીમાં સૂતો હતો! મારો સવારનો બીજો બોટલ અડધો પૂરો થયો હતો! મારાં બાપુજી બજારમાં ગયાં હતાં, ફળો લેવાં માટે! સવારનો સમય હતો લગભગ સવારનાં સાડા દસ થયા હશે! ડોક્ટર તો આઠ વાગે જ બધાને તપાસીને જરૂરી નિદાન કરીને જતાં રહ્યા હતા, એટલે નર્સો બધી એમની સુચના મુજબ દર્દીઓને દવાઓ, ઈન્જેકશનો અને બાટલાઓ એમના સમય મુજબ આપતા હતાં. લોકો પોતાનાં સગાઓને મળવા આવતાં હતાં, તબિયત પૂછતાં હતાં. સિક્યોરીટી ગાર્ડ હમણાં હાજર ન હતાં એટલે અમુક લોકો થોડી મોટેથી વાતો કરતાં હતા! મારો બેડ તો એકદમ દરવાજાની સામે જ એટલે કોઇપણ અંદર દાખલ થાય એને હું જોઈ શકતો!

દવાખાનાનાં એક પટ્ટાવાળા ભાઈએ એક વૃદ્ધ કાકાને પકડીને ટેકો આપીને વોર્ડમાં લઈ આવ્યાં. પાછળ એક ડોશીમાં પણ હતાં. સાફસુફાઈ કારનાર બેને ફટાફટ એક ગાદલું લઈ આવી એક પલંગ પર ગોઠવી આપ્યું, પેલા ઘરડા કાકાને એ બેડ પર સુવડાવ્યા અને તાત્કાલિક તેમને બોટલ ચડાવવામાં આવી! આ બધી ગતિવિધિઓ પૂરી થઈ! એટલે એ બન્ને વૃદ્ધ શાંત થયાં, એમનાં બેડ પરની બધી હરકતો થંભી ગઈ! ડોશીમાં પેલાં ભાભાનાં પગ પાસે બેસી ગયાં અને બાટલામાંથી પડતાં ટીપાને જોઈ રહ્યાં!

હું પથારીમાં પડ્યો પડ્યો આ બન્નેને જોતો હતો! ઉંમર કદાચ ૭૦ની આજુબાજુ હશે! મહેનત અને મજુરી કરીને એમના શરીર ખાલી ખોખા જેવાં બની ગયાં હતાં! ચામડી અને હાડકાં જ! રંગે બન્ને થોડાં વધારે શ્યામ! માજી જો ક્યારેક ઊભાં થતાં તો સાફ દેખાઈ આવતું હતું કે હવે બે પગ કાફી નથી! મેં એમને જોયાજ કર્યું, કદાચ એમને કોઈ મદદની જરૂર હોય અને હું એમની સામે જોતો હોય તો મને તરત કહી શકે! મને એ પણ ખબર પડી કે ઘરડાં માજીને થોડું ઓછું સંભળાય છે! દાદા એમને જોરથી કે ઇશારાથી જ કઈક કહેતાં!

“એ હાલો બધાં જેને ખાવાનું લેવું હોય ઈ લઈ જાવ!” ભાત લઈને આવેલ એક બેન બોલ્યાં. દવાખાનામાં મફતમાં ત્રણ વખત જમવાનું મળતું! એટલે જમવાનું લઈને બે બેનો આવતી, એમાંથી એક કાયમ આ જ બોલતી! મારાં પલંગની બાજુ પર રહેલ નાનું ટેબલ લઈ જતાં અને એના ઉપર વસ્તુ મુકતા. બધાં લોકો લાઈનમાં વારાફરતી પોતાનાં વાસણોમાં જમવાનું લઈ જતાં! મારે તો એક મહિના સુધી અનાજ કે ભોજન કરવાનું ન હતું! એટલે હું એ લાઈનમાં ઉભો ન રે’તો! પણ જેટલાં ઉભા હોય એ બધાને હું જોતો!

“એ, ડોશી… તમારે નથી લેવું જમવાનું?” એ બેને પેલાં હમણે જ દાખલ થયેલ માજીને પાસે જઈને જોરથી કીધું! ભાભા તો સુતા હતા, બોટલ ચડતી હતી! આ ડોશીમાં બોલ્યાં,”પણ મારી પાહે વાસણ નથી!, શીમાં લવ?” “અરે, માજી તમે કોઈનું વાસણ માંગીને લઈ લેવ, હવે ઠેઠ સાંજે જમવાનું આવશે ને તમે બેય ભૂખ્યા રેશો!” મેં પેલા બેનને ઈશારો કરી કીધું કે “મારાં પલંગ નીચે મારાં વાસણ છે! એમાં આ માજીને જમવાનું આપી દો! મારે તો ફક્ત ફળ ખાવાનાં હોય છે એટલે હું આ વાપરતો નથી!” બે જણા જમી શકે એટલું આપ્યું. અને પેલા બન્ને બેનો રવાનાં થયાં!

દવાખાનામાં અમુક એવાં દર્દીઓ તો હોય જ છે કે જેને બધાં દર્દીની ખબર હોય, દરેક પાસે બેસવા જાય, ગપ્પાં મારવા જાય! એ પોતે દાખલ છે એવો એને અહેસાસ હોતો જ નથી! એટલે એવા જ અમુક વાતુંડીયા લોકો પેલાં ડોશીમાં અને બાપા પાસે સાંજે એમનાં પલંગ પર ગયાં અને એમની વાતો પરથી મને આ બન્ને વૃદ્ધો વિશે થોડી જાણ થઈ!

ગામડે બાપાંની તબિયત ત્રણચાર દિવસથી ખરાબ હતી, અને છોકરાઓ અને પોતરાઓ બધાં પોતાનાં કામે વ્યસ્ત હોય, કોઈ એમને દવાખાને લાવતાં ન હતા! એટલે ડોશીમાં એ વિચાર્યું કે લાવ હું જ આમને દવાખાને દેખાડી, દવા લઈને પાછા આવી જઈશું! બન્ને એક બીજાને ટેકે, ખિસ્સામાં સોએક રૂપિયા જેટલાં લઈને આ અભણ બાં સુરેન્દ્રનગરની ગાંધી-સિવિલ હોસ્પિટલમાં આવી ગયાં! ઘેરે કોઈને કીધું ન હતું, પોતે ડોક્ટરને બતાવીને તરત પાછા જ આવવાનાં હતા એટલે!, પાસે ફોન પણ ન હતો અને કોઈનો ફોન નંબર યાદ પણ ન હતો!, ભાભાની તબિયત ખરાબ એટલે એ બોલી શકે નહી અને માજી બિચારા અસક્ત અને બહેરા એટલે કોઈ વ્યવસ્થિત જવાબ પણ આપે નથી! હોસ્પિટલમાં આવતાં અને તપાસ કરતા પરિસ્થિતિ ગંભીર જણાઈ એટલે તરત વૃદ્ધ બાપાને દાખલ કરી દીધાં. હવે આ માજી, પોતાનાં પતિને એકલાં મુકીને ઘેરે પણ ન જઈ શકે! એમની પાસે કશું જ ન હતું! વાસણ, કપડા, ઓઢવા-પાથરવાનું વગેરે એવું જરૂરી કઈજ નહતું! પાસે ફક્ત થોડાં રૂપિયા હતાં, એને દવામાં જ વાપરવાનાં હતા! હું આ બધું માત્ર સાંભળી અને જોઈ રહ્યો હતો!

ત્રણચાર બોટલો ચડાવ્યા બાદ હવે ભાભાની તબિયત કંટ્રોલમાં હતી, બેસી શકતા હતાં, થોડું જમી શકતા હતાં! મારાં માટે મંગાવેલ ફળોમાંથી થોડાં એમને આપ્યાં! રાતનું ભોજન આવ્યું, એ લઈને એમણે જમી લીધું, મારી પાસે વધારાનું એક ગોદડું હતું એ મેં ડોશીમાંને આપ્યું. મારી બાજુનાં એક દર્દી સાજા થઈ ઘેરે જવાં નીકળ્યા તો એમને પોતાની એક શાલ આ માજીને આપી! પેલા સફાઈ કામદારને કહી એક ઓશિકું કાઢી આપ્યું! રાત થઈ બધાં સુઈ ગયાં! હું તો પથારીમાંથી ઉભો ન થતો એટલે ઊંઘ બવ મુશ્કેલીથી આવતી, એટલે મને આ બન્ને વૃદ્ધોની દશા પર વિચારો આવતાં! લાચારી અને ગરીબાઈ પર મારું મન ચકડોળે ચડેલું!

બે દિવસો વીતી ગયાં હતા. હવે પેલો વૃદ્ધ પુરુષ હલન-ચલન કરી શકતા! સ્વસ્થ લગતા હતા પણ હજુ દાખલ રહેવું પડેશે એવું ડોક્ટરે કીધું હતું. તે બોટલ ચડાવવાનું ન હોય કે પૂરું થઈ ગયું હોય તો દવાખાના અને વોર્ડની બહાર થોડી લટાર મારી આવતાં હતા! હવે એ બધા જોડે વાતચીત અને ગપ્પાં મારી શકતા હતા! થોડાં ખુશ પણ હતા! પેલાં માજીનાં પગમાં અને ચહેરામાં સ્ફૂર્તિ દેખાતી હતી! તે પણ હવે સ્ત્રીઓની વાતો માટેની મંડળીમાં હિસ્સો લેતા!

વોર્ડની અંદર જતાં જમણા હાથે ત્રીજે કે ચોથે પલંગે એક દર્દીને મળવા માટે એક વ્યક્તિ આવેલો, તેની બોલચાલ અને હાવભાવ પરથી મને લાગ્યું કે એ લોકોને છેતરવા અને ઠગી કરવા ટેવાયેલો હશે, એ ઉડતી-ઉડતી વાતો કરતો અને લોકોને વખાણવામાં ઉસ્તાદ લાગ્યો! એને મને કેમ છો? એવો ઈશારો કરેલો, પણ મારો રિસ્પોન્સ એક આળસુ બિલાડી જેવો હતો, એટલે મારી સાથે બવ વાત શરુ થઈ શકી નહી પણ બીજાં બધા સાથે વાતો થવા લાગી હતી! “કોઈને કઈ પણ જરૂર પડે, ચિંતા ન કરશો, મને કે’જો! આ દવાખાનામાં બધા ઓળખે છે મને!” એવું દરેકને બોલતો! આવું બોલતા મેં એને ત્યારે પણ સાંભળેલો જયારે એ પેલા બિચારા બન્ને વૃદ્ધો પાસે બેઠો હતો!

બીજા દિવસે સવારે મને બોટલ ચડતી હતી અને હું અર્ધનિંદ્રામાં સુતો હતો ત્યારે થોડી ચર્ચા થવા લાગી, હું જાગી ગયો, મેં જોયું તો પેલા માજીના ખાટલા પાસે વોર્ડના અમુક લોકો ઉભા હતાં, અને મને અધવચ્ચેથી વાતો સંભળાઈ,”તમે પણ સાવ ગાંડા છો, બાપા! એમ કઈ કોઈ અજાણ્યાને પૈસા અપાય?” ડોશીમાંની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. પેલા બાપાએ જાણે મોટો કોઈ અપરાધ કરી દીધો હોય અને એનો પછતાવો થતો હોય એવો ચહેરો લાગી રહ્યો હતો, અમુક લોકો થોડાં ગુસ્સામાં દેખાતા હતાં! એ બબડતા હતા,”આવા ગરીબ માણસોના પૈસા લેવાય? પૈસા પડાવીને લઈ ગયો એ, આવવા દો સાલ્લાને! મારવો છે એ આવે તો!” મેં થોડીવાર બાદ બધા લોકો વિખેરાયા તો એમાંથી એકને મારાં બેડ પાસે બોલાવ્યો અને વાત શું બની એ જાણ્યું!

ગઈકાલે સાંજે ઘટના એવી બની હતી કે પેલો લુચ્ચો માણસ વોર્ડની બહાર પેલા વૃદ્ધ કાકાને મળ્યો હતો, એ પોતે કેટલો સેવાભાવી છે, પોતે કેટલો ઉદાર છે એની ડીંગો હાંકવા લાગે છે! પેલા વૃદ્ધને “કાકા” સંબોધી એમનો હાથ પકડી દવાખાનામાં લટાર મરાવે છે! થોડીવાર આવી અને આમ જ વાતો કરે છે અને મોકો જોઈ પોતે દુઃખમાં આવી પડ્યો છે અને એને મદદની જરૂર છે એવી યાચના કરવા લાગ્યો! “કાકા, જો થોડાં પૈસા મળી જતાં તો સારું, હમણાં હું મારું પાકીટ નથી લાવ્યો અને પેલો માણસ મારી ઉપર ઘોડો થઈ ગયો છે, એને સો-બસ્સો આપી દવ હમણાં જ! પછી તમને હું ઘેરે જવ એટલે આવતી કાલે વેલી સવારે તમને તમારા પૈસા પાછા!”, “દીકરા અમારી પાસે તો કઈ પૈસા નથી પણ તારી કાકીને પૂછ, હશે સોએક રૂપિયા જેવા! એને કે’જે કે કાકાએ કીધું છે એટલે આપશે! હો! મારે અહી જ તડકામાં અને ખુલ્લી હવામાં બેસવું છે! તું જા એની પાસે એ તને પૈસા આપશે!”. પેલો માણસ ડોશી પાસે આવી પૈસા માંગે છે, એક સો ની નોટ હતી એ એને આપી દે છે! હવે પૈસા નામે આ બન્ને વૃદ્ધો પાસે કશું નો’તું! ઘેરે જવાના પૈસા પણ કદાચ નઈ હોય! આવા વૃદ્ધ, લાચાર અને ગરીબ લોકો માટે ૧૦૦ રૂપિયા એ બવ મોટી રકમ કે’વાય! એમની પાસેથી પેલો ઠગ પૈસા પડાવી જાય છે!

આજે બપોર થઈ અને હવે સાંજ પાડવા આવશે પણ પેલા ઠગનો કોઈ જ પત્તો ન હતો! બધા એના પેલા દાખલ દર્દીને પૂછવા લાગ્યા કે તારો દોસ્ત ક્યાં છે? આ બાપાના પૈસા લઈને ગયો છે ને હજુ નથી આવ્યો! પેલા માણસે કીધું,”અરે, આ બાપા પણ મુર્ખ છે! એમ કોઈ અજાણ્યાને પૈસા થોડાં અપાય? હું પણ કઈ ખાસ એને નથી ઓળખતો, મને પૂછ્યું હોત તો હું જ આપવાની ના પડેત!” તપાસ કરતા જાણવા મળ્યું કે એ કોઈ દારૂડિયો છે જે અહી તહી રખડતો હોય છે અને કોઈની ને કોઈની પાસે પૈસા માંગતો ફરતો હોય છે! મોટી મોટી વાતો કરવાની એની ટેવ છે! હવે એ ક્યારે દેખાશે અને એનું ઘર કયા છે? એ કોઈને નથી ખબર!

ત્રણ દિવસ બાદ આ બન્ને વૃદ્ધોને શોધતા શોધતા પાંચ-છ છોકરા-છોકરીઓ આવ્યાં! એ બધા એમના પૌત્રો-પૌત્રીઓ હતા! બધાએ એમના ખબર અંતર પૂછ્યા! અને કેમ અચાનક કીધા વગર દવાખાને આવી ગયાં એવું પૂછી ધાધડાવવા લાગ્યા! પેલા માજીએ પૂરી વાત કરી! એ બધા આ ડોસા-ડોશીને લઈ જવાનું કહેવા લાગ્યા પણ હજુ દાખલ રહેવું પડશે એવું નર્સે કીધું એટલે ત્યાં થોડીવાર બાં-બાપા જોડે વાતો કરવા લાગ્યા! એક લુચ્ચો પૈસા પડાવી ગયો છે એવી વાત જાણતા પેલા છોકરાઓ તાતા-ઉના થઈ ગયાં! ક્યાં છે અને કોણ છે એમ પૂછી ગરમ થવા લાગ્યા! અને જે છોકરીઓ આવેલી એ બધી ડોશી-ડોહાને ઠપકો આપવા લાગી! જે શરમનો ભાવ બાપાને બપોરે થતો હતો એવો જ ભાવ હમણાં સાંજે થવા લાગ્યો! “તમને દાદા બધા છેતરી જ જાય છે! તમે પેલેથી આવા જ છો, ક્યારે સમજશો અને સુધારશો? એટલી ખબર ન પડે તમને કે ઈ તમને પૈસા પાછા નઈ આપે! આવાને આવા જ રહ્યાં!” પેલા બાપા ચડતા બાટલા સામું જોઈ રહેલા! થોડી વાર કકળાટ ચાલ્યો અને પછી કાકાની શોધમાં આવેલ ટોળકી રવાનાં થઈ! હવે આ બન્ને વૃદ્ધો એકલા પડ્યા! એક વિચિત્ર શાંતિ પથરાઈ ગઈ! અને મારાં મનમાં કકળાટ! કે આમાં આ બાપાનો શું વાંક? ગુન્હો તો પેલા લુચ્ચાએ કર્યો ને!

એ રાત જેમતેમ વીતી હતી! મારી અને પેલા વૃદ્ધ બાપાંની! આપણે જેને સમાજ ગણીએ છીએ એ સમાજમાં એવી કોઈ સમજણ જ નથી કે ગુન્હો કોને કર્યો છે અને ગુન્હેગાર કોણ છે? સજા કોને મળવી જોઈએ અને સજા કોને મળી રહી છે? કોઈને કશી સમજણ જ નથી પડતી! બધા પેલા બાપાને કેદ્રમાં રાખીને બોલી રહ્યાં હતા! “આ જે કઈ પણ ઘટના બની એમાં બાપા જો સતર્ક હોત તો એ છેતરાયા ન હોત!” બધાનો અભિપ્રાય બસ આવો જ હતો! કોઈ પણ માણસ એવું મજબૂતાઈ થી નો’તું બોલતું કે કુકર્મ તો પેલા લુચ્ચાએ કર્યું છે! વૃદ્ધ દાદાએ તો ફક્ત મદદનો ભાવ પ્રકટ કરેલો! અને લોકોએ આવા ઉમદાભાવને મુર્ખામીમાં ખપાવી દીધું! આ અને આવો છે આપણો સમાજ! અહી કોઈ લુંટનારને જેટલું નથી કોસવામાં આવતું એટલું તો જે લુટાઈ ગયેલ છે એને કોસવામાં આવે છે! બળાત્કારીને કે એના પરિવારને ક્યાં કોઈ સામાજિક શરમ આડે આવે છે, છુપાઈને તો પેલા રહે છે જેનો બળાત્કાર થયો છે! આવો છે આપણો સમાજ! ગુન્હેગાર કોણ અને સજા કોને? એ રાત ખરેખર જેમતેમ વીતી હતી! મારી અને પેલા વૃદ્ધ બાપાંની!

સવાર પડી! મને હવે રજા મળવાની હતી! સવારનાં રાઉન્ડમાં આવતાં એક ડોકટરે મારાં રીપોર્ટસ તપાસી મને અભિનદન આપી મને રવાનાં થવાની મંજુરી આપી દીધી! ઘેરે પણ મારે હજુ ચરી તો પાળવી જ પડશે અને અમુક દવા અને જરૂરી સલાહ આપી! બધો સમાન બાંધી દીધો! થાળી વાટકા પેલા માજી પાસે જ રહેવા દીધા! મેં ચાર દિવસ ખાલી પેલા વૃદ્ધોને બસ જોઈલા જ, કોઈ વાતચીત કે ખબર અંતર પુછેલા નહી! મને જતાં જોઈ પેલા માજી ખુસ થઈ આશીર્વાદ આપતી મુદ્રામાં મને ઈશારો કર્યો! મેં પણ થોડાં હાસ્ય સાથે એનો સ્વીકાર કર્યો! બધી કાગળની કાર્યવાહી પૂરી થઈ એટલે હવે છેલ્લે વોર્ડ છોડવાનો હતો! છ દિવસમાં સ્વાભાવિક રીતેજ બધાને ઓળખતો થયેલો પણ હું કોઈ પાસે ન ગયો! સિવાય કે પેલા વુદ્ધ બાપા પાસે!

“ઉઠો, આ ભાઈ જાય છે સાજા થઈને એમને રજા મળી!” એવો અવાજ પેલા ડોશીમાએ કર્યો! બાપા બેઠા થયાં! હું એમના પલંગ પર એમની બાજુમાં બેઠો! અને એટલું જ બોલ્યો કે,”બાપા, તમે સારા છો અને સમજુ પણ છો! તમે લોકોને જેટલી મદદ થઈ પડે છે એટલી કરો છો! જે હજુ પણ તમારે ચાલુ જ રાખવાની છે હો!, અને તબિયત સાચવજો તમારી!” હું થોડું મલકાયો!. મારાં પાકીટમાંથી ૨૦૦ રૂપિયા મેં મારાં હાથમાં કાઢી રાખેલા, એ મેં એમના હાથમાં આપી, મેં હાથ જોડી જવાની આજ્ઞા માંગી! મારાં માથે હાથ મૂકી મને જવાનો એક મૌન ઈશારો કર્યો! એ કશું ન બોલ્યા, એમની આંખમાં ઝળઝળિયાં હતા! હું ઉભો થઈ વોર્ડ તરફ પાછું વળીને જોયા વગર, મારાં બાપુજી સાથે રવાના થયો!

જે સારા અને સાચાં છે, એ એકલા તો પડી જતાં હોય છે પણ એ ક્યારેય ખરેખર એકલા નથી હોતા! બીજા ઘણાબધા સાચાં અને સારા લોકો એમની જોડે જ હોય છે! એમની આસપાસ જ હોય છે! એટલે આવા લોકો એ હિંમત હારી જઈને પોતાનાં સત્કર્મોને કરવાનું છોડવું નહી!

-Mahesh Jadav

2 replies »

Leave a Reply