વિચાર લેખો

જેવું છે તેવું જ જુવો! (Eyes of Wisdom)

એની દંતકથાઓ પ્રચલિત હતી! માણસ પણ એવો! એનાં વિશેની કોઈ પણ સાહસકથા સાચી જ લાગે!લીંબડીનાં બસ સ્ટેશન પર એક મોટું પોસ્ટર, હું મારાં બાપુજીને વારંવાર પૂછતો… “આ કોણ છે?”… એ કહેતાં, “બ્રુસ લી”… ને સાંભળીને જ શરીરમાં કરંટ દોડી જતો! હું કદાચ 8 વર્ષનો જ હોઇશ… છતાં એટલો પ્રભાવ થતો, જાદુઈ જ લાગે!

બ્રુસ લીનાં અમુક વિધાનોમાંનુ એક “જ્યાં જેની જરુર છે તે જ વાપરો, જો મુક્કાની જરુર હોય તો મુક્કો જ, લાતનો ઉપયોગ મુર્ખામી છે!
એટલે કે પરિસ્થિતિ જેવી છે તેવી જ જુવો, ઢોંગ હોય તો તમને ઢોંગ જ દેખાવો જોઈએ અને સત્ય હોય તો તમને સત્ય જ દેખાવું જોઈએ …અને તેના સ્વીકાર કે અસ્વીકાર માટે તમે એકદમ સ્પષ્ટ હોવા જોઈએ… જે છે એનાથી કંઈક અલગ દેખાય અને તેને જેવું હોવું જોઈએ અથવા જે છે તેવું જોવાની દરકાર કે કોશિસ જ ન કરવામાં આવે તો આ એક મુર્ખતાપૂર્ણ બાબત છે!”

*** *** ***

હવે મુળ વાત… શું જેવું હોય તેવું આપણે ન જોઈ શકીએ? કે જોવાં નથી માંગતાં? કોણ જેવું છે તેવું જોતાં અટકાવે છે આપણને?

આપણી આજુબાજુ જે કંઈ પણ ઘટી રહ્યું છે શું એને જેવું છે એવું જ આપણે કેમ અનુભવી શકતા નથી!… આંખો-કીકીઓ નબળી છે, મન-બુદ્ધિ ક્ષીણ થઈ છે કે હ્રદય-દિલમાં જ વિકૃતિ આવી ગઈ છે!!!

વિષય બહું મોટો છે અને ફરિયાદો પણ અગણ્ય છે! પણ આપણે માત્ર શિક્ષણ પર અમુક જ બાબતે વિચારીએ, અને આંખે બાંધેલ પાટાને થોડો ઢીલો કરી એની તિરાડમાંથી કંઈક સાચું જોવાની કોસિસ કરીએ! કોઈ ફરિયાદ નથી, બસ આપણે જે ‘ભૂલ‘ કરી રહ્યા છીયે એના તરફ થોડું ધ્યાન આપીએ! 

ભાષાને ઉગાડવાની હોય છે અને વિજ્ઞાનને વિકસાવવાનું હોય છે! (જોકે આ હવે વિલુપ્ત જ થઈ ગયું છે એમ જ સમજો)… આ બન્ને કામ ભોજનને હજમ કરવા જેટલાં જ સહેલા છે! ભણવાની કોઈ ખાસ પદ્ધતિ નથી હોતી, વિષય તમને જેમ વાળે તેમ વળો, ઉગાડે એમ ઉગો! આપણે વિષયને વાળવાનો કે મરોડવાનો નથી! એ જેવો છે એવો જ એને જુવો, એ જેવાં તમને બનાવવા માંગે છે એવા બનો!

ભાષાને ભાષાની જેમ, વિજ્ઞાનને વિજ્ઞાન સ્વરુપે, અને કોઈ શાસ્ત્રોને એ શાસ્ત્રની માફક જ સમજો! નવાઈ લાગી?… અને વિચિત્ર પણ!… હુ સમજી શકું છું… શિક્ષકોનો દુકાળ છે! એટલે જ આ મુશ્કેલ લાગે છે કદાચ! 

ભાષા, વિજ્ઞાન, શાસ્ત્ર, કલા કે કોઈ શિક્ષાનો અભ્યાસ કર્યા બાદ પણ કોઈ વ્યક્તિને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ લાગે છે… આતે કેવું શિક્ષણ? શિક્ષા પ્રાપ્તિ બાદ તો આવડત અને હિમ્મત વધવી જોઈએ તો આ વિચિત્ર પ્રકારની અયોગ્યતા કેમ આવી ગઈ? વિશ્વાસની કમી દેખાય એને શું સમજવું? ખરેખર તો આ જીવન વિદ્યાનો ઘોર અભાવ છે! એનું એક કારણ એ પણ છે કે, આપણે, શિક્ષકે તેમજ સમાજે આ ભાષા, વિજ્ઞાન, શાસ્ત્ર કે શિક્ષાને તેમનાં મુળ રુપે સ્વિકારવાની બદલીમાં તેને તોડી, મરોડિ અને છોડીને માત્ર વ્યવસાયલક્ષી જાણકારી માત્ર બનવી દીધું!જીવનલક્ષી, બુનિયાદી શિક્ષણ શુન્ય થયું અને જીવન નિર્વાહ માટેની ન્યૂનતમ યોગ્યતા પણ ગુમાવી બેઠાં! હજુ પણ આ ભુલોનું પુનરાવર્તન થતું જાય છે, નવાં નવાં અભ્યાસક્રમો તો શરું થાય છે પણ ક્યાંય ‘જરુરી વિદ્યા‘ મળતી નથી! પૂર્ણતા તો પ્રાપ્ત થવાની જ નથી! અને એની આશા રાખવી પણ વ્યર્થ છે કેમ કે આપણને કેવું શિક્ષણ જોઈએ એ આપણે માત્ર દેખાદેખી અને સરખામણીથી જ નક્કી કરીએ છે જે સૌથી મોટી અને ગંભીર મુર્ખામી છે! જ્યાં સુધી સહજતા નહિ આવે… જેવું છે તેવું જ સમજવાની સમજણ આવશે નહિ ત્યાં સુધી આ બધું બેબુનિયાદી લાગશે! 

ખૈર… આખી શિક્ષણપદ્ધતિ કે નિતિ કે રૂઢિઓ ને બદલી શકાય તેમ નથી, અને ઉપરી શિક્ષણવિદો જો આ વાતને ન સમજે તો સમાજ હજુ પણ ભોગવશે! પણ એક શિક્ષક ધારે તો એ જરુરથી આ સાચી વિદ્યા વિદ્યાર્થીઓને આપી શકે છે! જરુર છે માત્ર એક શિક્ષકનાં આહવાનની! શિક્ષક પોતે પોતાને તૈયાર કરે તો…!!!

ચર્ચા અને વિચારોની રજૂઆત હજુ અડધી છે… તેના તકલીફો અને ઉપાયો ની વાત પણ હજુ આપણે ઊંડાણપૂર્વક કરી નથી જે કરવાની છે…. આપ વિચારો! હું તો ફરી આવીશ… ઉપાયો અને યોજનાઓ સાથે! તમે પણ કૈક ઘડી રાખો! શિક્ષણ માટે!

-Mahesh Jadav

Leave a Reply