વિચાર લેખો

સમૂહ જીવન અને માણસ! (The Human Society and A Man)

સમૂહમાં રહેવું એ માણસનો પ્રાકૃતિક સ્વભાવ છે!

સમૂહ જીવન તેને સુરક્ષા પ્રદાન કરે છે! તેનો જીવન નિર્વાહ સરળ બને છે!

પરંતુ આવા સમૂહો અમુક પ્રમાણ પુરતા જ વિસ્તાર ધરાવે છે, જો કોઈ સમૂહ ખુબ મોટો થઈ જશે તો એમાં જ વિભાજનો થઈ વળી પાછાં નાનાં નાનાં સમુહોમાં વિભાજિત થઈ જશે!

એટલે માણસ સાવ એકલો પણ રહેવા નથી માંગતો અને અતિવિશાળ ઝુંડમાં પણ નહિ!

આ ધરતી ઉપર માનવી ક્યારેય પણ એક જ પ્રકારની વિચારધારા કે માન્યતાને અપનાવી જ નહિ શકે, તેના સ્વભાવમાં જ નથી એ! માટે માણસ કુદરતને પડખું તો બતાવી શકે છે પણ પીઠ ક્યારેય ન બતાવી શકે એટલે કે માણસ પોતાનાં પ્રાકૃતિક સ્વભાવને એકદમ વિપરિત ક્યારેય અનુસરી શકે નહિ! ન તો માણસ સાવ એકલો રહી શકે અને ન તો એક જ વિચાર ધરાવતા એક જ વિશાળ સમૂહમાં રહી શકે!

    માણસ અલગ અલગ સમુહોમાં જોડાયલો હોય છે, આ સમૂહો કોઈ પણ પ્રકારના હોય શકે છે, એ ધાર્મિક સમૂહ હોઈ શકે, રાજકીય સમૂહ હોઈ શકે, સામાજિક સમૂહ હોઈ શકે, આર્થીક સમૂહ હોઈ શકે, રક્ષણાત્મક હેતુ માટેનો સમૂહ હોઈ શકે, શિક્ષા પ્રાપ્તિ માટે કે ભોજન પ્રાપ્તિ માટેના સમૂહો, વગેર વગેરે… જ્યાં તેનાં વિચારોમાન્યતાઓસંવેદનાઓ અને જરુરીયાતો કે ઇચ્છાઓ સંતોષાતી હોય છે ત્યાં સહજતાથી જોડાય જાય છે. અને જ્યારે કોઈ ભેદ કે વિરોધ પેદા થાય છે ત્યારે તે આ સમૂહને છોડીને બીજાં સમૂહમાં જાય છે. અને માણસ પોતે આવી રીતે સમુહો જોડતો, તોડતો, છોડતો અને નિભાવતો જોવાં મળે છે… અંતે તેનું ધ્યેય માત્ર ‘દરેક પ્રકારની સુરક્ષા’ જ હોય છે!

પણ માણસનાં ‘આંશિક-સમૂહ જીવન’નાં પ્રાકૃતિક સ્વભાવને કારણે જ વર્તમાન સમયમાં ભૌગોલિક, ભાષા, માન્યતા, ધર્મ, આર્થિક, સામાજિક, શારિરીક વગરે વગરે બાબતે માણસ પોતાને અમુક ખાસ-પ્રકારનાં સમૂહ સાથે જોડે છે અને બાકીનાં બીજાં સમુહોથી પોતાને અલગ કરે છે! અને પોતાનાં જેવાઓ સાથે જ જીવન નિર્વાહ કરે છે! પોતાનાં જેવાઓ સાથે જ એટલે કે ઉપર જણાવેલ જે કોઈ બાબતમાં સમાનતા હશે એ બાબતને કેન્દ્રમાં રાખી પોતે સમૂહ જીવન વીતાવશે!

આવું સમૂહ જીવન સુરક્ષા તો આપે છે પણ ઈશ્વરે જે સ્વાતંત્રનું વરદાન આપેલ છે તે ફોક થાય છે! સ્વતંત્ર વિચારનું વરદાન!

સ્વાભાવિક રીતે અથવા સમૂહ દ્વારા ઘડાયેલા નિયમો મુજબ માણસ જ્યારે કોઈ સમૂહમાં જાય છે ત્યારે તે માણસ તે સમૂહની હરએક બાબતને સમર્પિત થાય છે, અને થવું જ પડે તો જ સમૂહમાં રહી શકાય! સમર્પિત થવું એ શબ્દ થોડો વધારે પડતો છે બનાવટી છે, જે સત્યને પ્રદર્શિત કરતો નથી… ખરેખર તો માણસ તે સમૂહને આધિન થાય છે, તેનો ગુલામ બને છે!

સમૂહમાં જોડાયા બાદ હવે તે અમુક ખાસ બાબતો, રીતિ રિવાજો અને માન્યતાઓનો આદિ બને છે, એને સ્વિકારે છે, અનુસરે છે! હવે તે પોતે મટીને સમૂહ બને છે, સમૂહમાં વિલિન થાય છે એકરૂપતા પ્રાપ્ત કરે છે! અને તે કોઈ અધિકારીતા કે માલિકીભાવ નિચે કામ કરતો થાય છે!

માણસને સુરક્ષાનો અહેસાસ તો થાય છે પણ ભયમાંથી મુક્તિ નથી મળતી, ક્યાંથી મળે… તમે જ્યારે કોઈને આધિન બનો કે કોઈ પર આધારીત હોવ તો સ્વરક્ષણ કેવી રીતે શીખી શકો? સાવ જડતાં જ આવી જશે સમજી લો!

“મુક્તિઆઝાદી કે સ્વતંત્રતા એ ઈશ્વરે આપેલ વરદાન છે! પણ મનુષ્ય પોતાનાં જાતિગત કે પ્રાકૃતિક સ્વભાવને સંપુર્ણ વશ થઈને આ ઉમદા અનુભવ કે ચેતનાનો નાશ કરે છે!

હું એવુ નથી કે’તો કે સમૂહ જીવનનો ત્યાગ કરવો જોઇએ, પણ સવાલ વિચાર પ્રક્રિયાનો છે! જે સમૂહ જીવન વિચારક્રિયામાં જડતાં લાવે છે એ સમૂહ જીવન સ્વતંત્રતા કે સ્વરક્ષણ ન આપી શકે!

ભેગાં રહેવું અને કોઈ અમુક વિચારોને આધિન રહેવું એ બન્ને બાબત તદ્દન વિપરિત છેએક માનવ વિકાસ તરફ દોરી જાય છે જ્યારે બીજું જડતાંથી વ્યક્તિગત વિચારોને નાશ કરે છે!

માણસે જો સમૂહમાં જ જીવવું હોય અને એકરૂપ થઈને જ રહેવું હોય તો પ્રથમ પોતાની અંદરની અને પોતાની બહારની બન્ને વ્યવસ્થાઓમાં તાલ જાળવે! શરુઆત ત્યાથી કરે! માણસ પોતે સમજે કે વૈચારિક બાબતે કોઈને પણ આધિન થઈને રહેવું એ ખરેખર ઇશ્વરે આપેલ ‘આઝાદ-સોચ’ની શક્તિનું અવમૂલ્યન ગણાશે!

સમૂહભાવના એ ગુલામીનો પર્યાય ન હોવો જોઈએ અને આઝાદી એ સ્વછંદ્તાંનો પર્યાય ન બનવો જોઇયે!

“આંતરીક તેમજ બાહ્ય સૃષ્ટિ વચ્ચે એકરૂપતા 

અને વિરાટ તેમજ સૂક્ષ્મ વિચારોનું 

યોગ્ય ધ્યાન એ જ ઉત્તમ જીવન!”

–    MAHESH JADAV

Leave a Reply